સુનાવણી દરમિયાન કોર્ટની અંદર ઢળી પડ્યો ફેનિલ, શું આ તેની કોઈ નવી ચાલ છે? જાણો સમગ્ર મામલો

સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ થયેલા ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડને હવે થોડા દિવસોમાં એક મહિનો પૂરો થવાનો છે. આ કેસનો મુખ્ય આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને તેની ટ્રાયલ કોર્ટમાં ચાલી રહી છે. દરમિયાન કોર્ટમાંથી એક પછી એક ખુલાસા પણ થઈ રહ્યા છે, ત્યારે આજે કોર્ટમાં એક નવી ઘટના સામે આવી છે.

આજે કોર્ટમાં ગ્રીષ્મા હત્યા કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, દરમિયાન ફેનીલ ગોયાણી કાર્યવાહી દરમિયાન બેહોશ થઈ ગયો હતો, ત્યારબાદ તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર પણ શરૂ કરવામાં આવી હતી. 1 કલાક 20 મિનિટની સારવાર બાદ તેની સ્થિતિમાં સુધારો થયો હતો.

કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ફેનિલ બેહોશ થઈ ગયો હતો અને તેને 108 પર કોલ કરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સિવિલના સાયકિયાટ્રી એન્ડ મેડિસિન વિભાગના તબીબોએ આરોપી ફેનીલની તપાસ કરતાં તેની તબિયત સામાન્ય હોવાનું જાણવા મળ્યું હતું.

ગ્રીષ્મા હત્યા કેસની સુનાવણી દિવસેને દિવસે ચાલી રહી છે અને આ કેસમાં લગભગ 190 સાક્ષીઓ છે. ઘટનાસ્થળે હાજર સાક્ષી મામલદારની જુબાની પણ ગયા શનિવારે લેવામાં આવી હતી. કોર્ટમાં દરરોજ સાક્ષીઓની જુબાની લેવામાં આવી રહી છે અને કોર્ટની સુનાવણી દરરોજ 7 કલાક ચાલે છે.

ગ્રીષ્માના સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે આખો કેસ એક કે દોઢ મહિનામાં પૂરો થાય તેવી શક્યતા છે. પોલીસ પાસે આ ઘટનાના નજરે જોનારા સાક્ષીઓ પણ છે અને તેના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં જ કોર્ટમાં 2500 પાનાની ચાર્જશીટ પણ દાખલ કરી છે.