ઉમેશ યાદવે પોતાના નામે નોંધાવ્યો આ ખાસ રેકોર્ડ, કપિલ દેવ અને ઝહીરની કતારમાં થયા શામેલ…

ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર ઉમેશ યાદવે પોતાની મજબૂત બોલિંગથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોના દિલમાં માત્ર ભય જ બનાવ્યો નથી પંરતુ તેના નામે એક ખાસ રેકોર્ડ પણ નોંધાવ્યો છે.

ઉમેશ યાદવ હવે ટેસ્ટ ક્રિકેટમાં 150 વિકેટ લેનાર ટીમ ઇન્ડિયાનો છઠ્ઠો ઝડપી બોલર બની ગયો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં તેણે ક્રેગ ઓવરટોનની વિકેટ લઈને આ સ્થાન હાંસલ કર્યું હતું.

ઉમેશ યાદવ અહીં જ અટક્યા નહીં, ક્રેગ ઓવરટનને પેવેલિયન મોકલ્યા બાદ તેણે 31 રનના વ્યક્તિગત સ્કોર પર ડેવિડ માલનને આઉટ કર્યો. ઉલ્લેખનીય છે કે ગુરુવારે ઉમેશે જો રૂટની વિકેટ લઈને પણ સનસનાટી મચાવી હતી.

ભારતીય ઝડપી બોલરો કે જેમને 150 થી વધુ ટેસ્ટ વિકેટ લીધી છે…

  1. કપિલ દેવ – 434
  2. ઝહીર ખાન – 311
  3. ઇશાંત શર્મા – 311*
  4. જવાગલ શ્રીનાથ – 236
  5. મોહમ્મદ શમી – 195*
  6. ઉમેશ યાદવ – 151*

ઉમેશ યાદવે વર્ષ 2011 માં ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં પદાર્પણ કર્યું હતું પરંતુ તે અત્યાર સુધી માત્ર 49 ટેસ્ટ મેચ રમ્યો છે. તેણે છેલ્લે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે ડિસેમ્બર 2020 માં ભારત માટે ટેસ્ટ મેચ રમી હતી.

રસપ્રદ બાબત એ છે કે ઉમેશ યાદવે ભારતીય ભૂમિ પર 49 માંથી 28 ટેસ્ટ મેચ રમી છે કારણ કે ભારતીય ટીમ મેનેજમેન્ટ તેને વિદેશ પ્રવાસ માટે ઝડપથી ટીમમાં પસંદ કરતું નથી. આ ફાસ્ટ બોલરે ભારતમાં 96 વિકેટ લીધી છે.