માસિક રાશિફળઃ ઓક્ટોબર, જાણો આગામી મહિનામાં તમારા અધૂરા કાર્યો પૂરા થશે કે નહીં

મેષ

મોટાભાગના સમયમાં આપનું વલણ ન્‍યાય ભરેલું રહે. પરિવારમાં સભ્‍યો સાથે આનંદથી સમય વીતાવો. આપ ઘરની બાબતોમાં વધારે પડતું ધ્‍યાન આપો. કુટુંબના સભ્‍યો સાથે બેસીને મહત્‍વની ચર્ચા વિચારણા કરશો. ગૃહસજાવટ માટે નવી ખરીદી પણ કરશો. આપ જે કાર્ય કરશો તેમાં સંતોષનો અનુભવ થશે પરંતુ ઉત્‍સાહ મંદ ન પડી જાય તેનું ધ્‍યાન રાખવું. સ્‍ત્રીઓ તરફથી લાભ થવાની શક્યતા છે. ધા‍ર્મિક પ્રવાસનું આયોજન થઇ શકે છે. વેપાર- વ્‍યવસાયમાં ધારી સફળતા મળે. આવક વધે. કામના ઢગલાથી ગભરાવાના બદલે આયોજનપૂર્વક આગળ વધી નિર્ધારિત સમયમાં કાર્યો પૂર્ણ કરવા માટે આપ પ્રેરાશો. મોજશોખ, મનોરંજનની પ્રવૃત્તિમાં સમય પસાર થાય. વાહનસુખ મળે. સામાજિક પ્રસંગે બહાર જવાનું થાય. વિદ્યાર્થીવર્ગને અભ્યાસની ચિંતા વધી જશે. વધુ મહેનત કરવી પડશે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઊજાગરા પણ થશે. લગ્નોત્સુક જાતકોને યોગ્ય જીવનસાથી મળવાના યોગ છે. જીવનસાથીની પસંદગીમાં દેખાવ કરતા ગુણને વધારે મહત્વ આપવું. તમારું મન મોટાભાગના સમયમાં રોમેન્ટિક વિચારોમાં પરોવાયેલું રહેશે. સમાજમાં આપ યશ-કીર્તિ મેળવો. સ્વાસ્થ્ય બાબતે શારીરિક અને માનસિક બેચેની સતાવ્યા કરશે. સંતાનોના સ્વાસ્થ્યની કાળજી રાખવી. તન અને મનની સ્‍વસ્‍થતાથી આપ તમામ કાર્યો કરશો. પરિણામે કામ પણ ખૂબ જ સારી રીતે કરી કરશો. શરીરમાં ગરમી સંબંધિત સમસ્યાઓ કે ત્વચાની તકલીફો થઈ શકે છે.

વૃષભ

મિત્રો અને કુટુંબના સ્‍વજનો સાથે ખૂબ આનંદમાં સમય પસાર થાય. આપની પ્રતિષ્ઠા, લોકપ્રિયતા અને સમૃદ્ધિમાં વધારો થશે. નોકરિયાતોને તેમના બુદ્ધિબળતી લાભ થવાની શક્યતા છે. પ્રોફેશનલ મોરચે અત્યારે તમે પોતાની સ્થિતિ, હોદ્દો અને પ્રતિષ્ઠા મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશો. આપને ગુસ્‍સો કાબૂમાં રાખવાની ખાસ સલાહ છે. કોઇપણ કાર્ય કે સંબંધો બગડવા પાછળ આ ગુસ્‍સો નિમિત્ત બની શકે છે. ભાગીદારીના કાર્યોમાં તમારા ભાગીદાર દગો ન કરે તેનું ધ્યાન રાખવું. ભાગીદારીમાં નવા કાર્યનો પ્રારંભ ન કરવો. નવા કરારો કરવામાં પણ સાવચેતી રાખવી. વાહન સુખ મળવાના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થી જાતકો પૂર્વાર્ધમાં અભ્યાસમાં ઘણું સારું ધ્યાન આપી શકશે. આ સમય સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા પ્રોફેશનલ અભ્યાસની પ્રવેશ વગેરેને લગતી પરીક્ષાઓની તૈયારી માટે સારો છે. આપના પ્રણય સંબંધો ખીલી ઉઠશે. તેમાં પણ છેલ્લું સપ્તાહ ઘણું સારું છે. તમે કોઈના પ્રેમમાં પડો અથવા પ્રિય વ્યક્તિ સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુકો તેવી શક્યતા છે. લગ્ન અને દાંપત્યજીવનમાં સુખ અને સંતોષ મેળવી શકશો. પ્રેમસંબંધોમાં પૂર્વાર્ધના ચરણાં આધિપત્યની ભાવનામાં પણ વધારો થશે. તમે સંસારની સાથે સાથે આધ્‍યાત્મિકતા તરફ પણ વળશો. ગૂઢ અને રહસ્‍યમય વિદ્યાઓ તરફ વિશેષ આકર્ષણ રહે. ઊંડું ચિંતન મનન આપને અલૌકિક અનુભૂતિ કરાવશે. સ્વાસ્થ્ય મામલે તમારે થોડુ ધ્યાન રાખવું જરૂરી છે. ટેન્શનપૂર્ણ સમયમાં અકસ્‍માતથી સાચવવું. અત્યારે તમને સ્વાદના ચટાકા લેવાની ઇચ્છા બહુ થશે જેથી ભોજનની અતિશયોક્તિને લગતી સમસ્યાઓ થઇ શકે છે. આ ઉપરાંત ઉત્તરાર્ધમાં શરીરની ગરમી, કબજિયાતને લગતી ફરિયાદો થઇ શકે છે.

મિથુન

છેલ્લા ઘણા સમયથી તમે પોતાની વ્યક્તિગત સમસ્યાઓ, સ્વાસ્થ્ય અથવા આત્મવિશ્વાસના અભાવ જેવી કેટલીક તકલીફોમાંથી પસાર થઇ રહ્યા હશો તેનો આ મહિનાથી અંત આવશે. હવે તમે નવી ઉર્જા સાથે નવી શરૂઆત કરવાનો ઉત્સાહ ધરાવશો. કામકામજમાં હવે વધુ સારું ધ્યાન આપી શકશો. પડતર કામો તમે ફટાફટ પતાવતા જશો અને તમારી કાર્યક્ષમતા પણ વધશે. આપ નવા લોકોના સંપર્કમાં આવશો. જેમનો આપને લાંબાગાળા સુધી લાભ મળ્યા કરશે. ગ્રહોની એકંદરે સ્થિતિ એટલી ખરાબ નથી તેથી તમે પોતાની જાતને ભાગ્યશાળી માનશો. આપને ઇન્વેસ્ટમેન્ટ કરવાની ઇચ્છા થશે. કદાચ આપ શેર- સટ્ટા, લોટરીમાં પણ નસીબ અજમાવશો. રોકાણમાં હંમેશા લાંબાગાળાનું જ આયોજન કરવું. સરકારને લગતા કોઇક પ્રોજેક્ટ કરવાની ઇચ્છા જાગૃત કરશે. કઠોર પરિશ્રમનો કોઇ જ વિકલ્પ કે શૉર્ટકટ નથી એટલું સમજી લેજો. વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસમાં સારું ધ્યાન આપશે. તમને અભ્યાસમાં મન ના ચોંટતું હોવાની ફરિયાદ હશે તો અત્યારે તેનો ઉકેલ આવશે. પ્રેમસંબંધોમાં પણ કોઇ બાબતે વિવાદ થયો હોય તો તમે શાંતિથી ચર્ચા કરીને નિરાકરણ લાવી શકો છો. તમારા મિત્રવર્તુળમાં વિજાતીય પાત્રો ઉમેરાવાની શક્યતા વધશે. વિવાહિતોને જીવનસાથી જોડે કોઇ બાબતે લાંબા સમયથી તણાવ હોય તો હવે તેનો સુખદ ઉકેલ આવશે. હવેથી તમારે સ્વાસ્થ્યને લગતી કેટલીક સાવચેતીઓ રાખવી પડશે. સામાન્ય સમસ્યામાં પણ ગાફેલ ના રહેવું અન્યથા આવી સમસ્યા ભવિષ્યમાં મોટુ રૂપ ધારણ કરી શકે છે. પૂરતી ઉંઘ લો અને ધ્યાન- યોગ- મેડીટેશન જેવી પ્રવૃત્તિ પણ કરો જેથી આપ તણાવમુક્ત રહી શકશો.

કર્ક

આ મહિનામાં શરૂઆતથી જ તમે પ્રોફેશનલ મોરચે વધુ સક્રિય રહો પરંતુ કોઇપણ નિર્ણય લેવામાં અથવા જ્યાં બીજાની સાથે મળીને કામ કરવાનું હોય તેવા ક્ષેત્રોમાં અવિચારીપણું ટાળવાની સલાહ છે. કોઇની સાથે કરારો કરવાના હોય તો તેમાં વિલંબ કે અવરોધની શક્યતા પણ નકારી શકાય નહીં. વ્‍યવસાયમાં આપ નવી વિચારસરણી અપનાવશો. કર્મચારીઓ સાથે આપના સંબંધો સામાન્ય રહેશે. આ મહિને તમે પૂર્વાર્ધમાં પરિવાર સાથે ટૂંકા પ્રવાસે કે સામાજિક મેળાવડામાં જાઓ તેવી શક્યતા છે. જૂના મિત્રો સાથે લાંબા અંતરાલ બાદ મિલન-મુલાકાત થાય. વિદેશ વસતા સ્‍નેહીજનના ખબર મળે. વડીલો તેમ જ મિત્રવર્તુળથી લાભ થાય અને સુખદ ક્ષણોનો અનુભવ મળશે. દાંપત્યજીવનમાં સંબંધોમાં સ્થિરતા હોવ તેવું લાગશે. કદાચ તમારે સંબંધોમાં થોડો ઉત્સાહ વધારવા માટે પ્રયાસ કરવા પડે. અવિવાહિત જાતકોને જીવનસાથીની પસંદગીમાં સાવચેતી રાખવાની સલાહ છે. વિદ્યાર્થીવર્ગને અત્યારે વધુ મહેનતની તૈયારી રાખવી પડશે તેમજ અવારનવાર બીજાના માર્ગદર્શનની પણ જરૂર પડશે. આ સમયમાં તમે ભોજનની અતિશયોક્તિ ટાળશો તો મોટાભાગે સારું સ્વાસ્થ્ય માણી શકશો. ઉત્તરાર્ધમાં કફ વધી શકે છે માટે બદલાતી ઋતુ સામે તમારે સાચવવું પડશે.

સિંહ

આ સમયમાં તમે વિજાતીય સંબંધો, દાંપત્યજીવન અને કૌટુંબિક તેમજ આર્થિક બાબતમાં વધારે ધ્‍યાન આપશો. જીવનસાથી આપના પર પ્રેમનો વરસાદ કરશે. આનંદો! આપ દરેક કાર્ય દૃઢ આત્‍મવિશ્વાસ અને મક્કમ મનોબળ સાથે કરી તેમાં સફળતા મેળવશો. પિતા કે પૈતૃક સંપત્તિથી લાભ થાય. સરકારથી અથવા તેની સાથેના આર્થિક વ્‍યવહારથી ફાયદો થાય. કામકાજમાં હરીફાઈનો સામનો કરવો પડે પરંતુ તમારી કર્તવ્યનિષ્ઠાથી તમે દરેક બાજી જીતી શકશો. વિદ્યાર્થીઓને તેમના અભ્‍યાસમાં સારો દેખાવ કરવા માટે આયોજનપૂર્વક આગળ વધવાની સલાહ છે. અભ્યાસના કક્ષમાં કોઈપણ નકામી ચીજો કે ભંગાર રાખવો નહીં કારણ કે તેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ જાળવી રાખવા માટે તમારા કોઇપણ કાર્ય કે ચર્ચાથી બીજાને ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું. નોકરીમાં સહકાર્યકરોનો સારો સહકાર મળી રહેશે. આપ વ્યાપાર ધંધાના વિસ્તરણમાં વધુ પડતો વિચાર કરશો તો હાથમાંથી બાજી જઇ શકે છે. જોકે, ઉત્તરાર્ધમાં તમારામાં કંઇક નવું કરવાનું સાહસ વધી શકે છે. ખાવાપીવામાં ધ્‍યાન નહીં રાખો તો તબિયત બગડશે.

કન્યા

નોકરી ધંધાના સ્‍થળે ઉપરીઓ તેમજ સાથી કર્મચારીઓના સહકાર સાથે તમે અત્યારે પ્રગતિના શિખરો સર કરી સકો છો. વેપારી વર્ગ માટે સમય સારો છે. તમે અત્યારે વેપારમાં નવા લોકો સાથે મળીને ભાગીદારી શરૂ કરો અથવા તેમના માર્ગદર્શન કે અન્ય કોઇ સહકાર સાથે આવકમાં વધારો થાય તેવી કોઇ નવી પ્રવૃત્તિઓમાં જોડાઇ શકશો. વેપારીઓને નવી આવક ઊભી થવાની, હાલના વ્યવસાયમાં વૃદ્ધિ થવાની તેમ જ ઉઘરાણીના નાણાં છુટા થવાની શક્યતાઓ છે. પિતા સાથે આપના સંબંધો સુધરશે. પરિવારના અન્ય સભ્યો સાથે સંબંધોમાં અત્યાર સુધી થોડો તણાવ રહ્યો હશે તે હવે સામાન્ય થશે. સંતાનો સાથે આપ સારો સમય વિતાવી શકશો. જોકે, તેમને લગતી પ્રવૃત્તિઓ અથવા કાર્યોમાં થોડો વિલંબ થવાની શક્યતા નકારી શકાય નહીં. સામાજિક, આર્થિક, પારિવારિક ક્ષેત્રે લાભ થવાના સંકેતો છે. મિત્રો તરફથી લાભ પણ થાય અને તેમની પાછળ નાણાંનો ખર્ચ પણ કરશો. અવિવાહિત જાતકોને જીવનસાથીની શોધ માટે ઘણો અનુકૂળ સમય છે. વિદેશમાં વેપાર કરતા કે વિદેશી કંપનીમાં નોકરી કરતા જાતકોને વધારાની આવક થશે. વ્યાપક રીતે જોવામાં આવે તો આ મહિને શારીરિક અને માનસિક રીતે આપ તાજગી અને પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. સ્‍વાદિષ્‍ટ ભોજન, અને મિત્રો તથા પરિવારજનોના સહવાસમાં આનંદથી સમય પસાર થાય. મનમાંથી નકારાત્‍મક વિચારોને બાજુએ હડસેલી દેશો તો આપનો આનંદ બેવડાશે. વિદ્યાર્થી વર્ગે હવે મિત્રોમાં ફરવાના બદલે અભ્યાસમાં થોડું ધ્યાન આપવું પડશે.

તુલા

આ મહિનાની શરૂઆતમાં આપનામાં લાગણીશીલતા વધશે. કામનો બોજ માનસિક રીતે થોડા થકવી નાખશે. નોકરી ધંધાના સ્‍થળે સાથી કર્મચારીઓનું અને ઉપરી અધિકારીઓનું વલણ સહકાર ભર્યું ન રહેતા માનસિક હતાશા ઉદભવે.પિતાને હેરાનગતિ થાય. સંબંધો અને કામકાજમાં સાચવીને આગળ વધજો અને શક્ય હોય ત્યાં સુધી કોઇપણ દલીલબાજીમાં પડવું નહીં. પૈતૃક મિલકતો અથવા પિતા તરફથી થતી આવકમાં ઘટાડો થઇ શકે છે. જોકે, નિરાશ થવાની જરૂર નથી કારણ કે સુખ અને દુઃખનું ચક્ર ચાલતુ રહે છે. કપરા સમય પછી તમે સારી સ્થિતિનો અહેસાસ કરશો. ઉત્તરાર્ધમાં તન મનથી તાજગી સ્‍ફૂ‍ર્તિ અનુભવાય. નવા કાર્યોના શુભારંભ માટે સમય સારો છે. બિઝનેસમાં વિસ્તરણ કે સારા પગારની નોકરી અંગે ગંભીરતાથી વિચાર કરી શકશો. હરીફો અને વિરોધીઓને મહાત કરી શકો. એકંદરે ભાગ્‍યવૃદ્ધિ અને આનંદ ઉલ્‍લાસપૂર્ણ સમય છે. આપના મનમાં જાત જાતના વિચારોના તરંગ ઉઠશે. પારિવારિક સુખ શાંતિ જળવાશે. કુંવારા જાતકોનાં લગ્નનો માર્ગ મોકળો થશે. વિજાતીય પાત્રો તરફ આકર્ષણ થશે. જોકે સંબંધોમાં તમારે અહંની ભાવના દૂર કરવી પડશે. નવા પ્રોજેક્ટનો પ્રારંભ કરી શકશો. પ્રિયજનનું મિલન આનંદ પમાડશે. વડીલો સાથે આપના સબંધો સુધરશે તેમ જ તંદુરસ્તી પણ ઘણી સારી રહેશે. અત્યાર સુધી કરેલા કાર્યોમાં યશકીર્તિ મળે અને તેનાથી વધુને વધુ આગળ વધવાનો ઉત્સાહ તેમજ આત્મવિશ્વાસ વધુ મજબૂત થશે. મહેમાનો અને મિત્રો સાથે પાર્ટી પિકનિક અને સહભોજનનું આયોજન પણ થઇ શકે છે. નવા કપડાં, ઘરેણાં અને વાહનની ખરીદીના યોગ છે. છેલ્લા ચરણમાં તમારા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો આવશે અને ચહેરા પર તેજ વધશે.

વૃશ્ચિક

આ મહિનાના પૂર્વાર્ધમાં આપ પરિવારમાં પુત્રો અને પત્‍ની, વડીલો તરફથી તેમજ મિત્રવર્તુળ તરફથી લાભદાયક સમાચાર મેળવો અથવા તેમના કારણે કોઇ ફાયદો થાય તેવી શક્યતા છે. પરિવારના કોઇ સભ્ય તરફથી મોંઘી ભેટની પણ આશા રાખી શકો છો. આ મહિને કોઇપણ બૌદ્ધિક પ્રતિભાને લગતા કાર્યો, ચર્ચા વગેરેમાં તમારે થોડું સાચવવું પડશે અન્યથા તમારા શબ્દો ખોટા પડે કે તમારા દ્વારા ખોટા નિર્ણયો લેવાઇ જાય તેવું બની શકે છે. તમારી વિશ્લેષણ શક્તિ આ મહિનામાં ઓછી રહે માટે એવા કાર્યોમાં ધ્યાન આપવું જ્યાં વધુ બુદ્ધિ નહીં પરંતુ શ્રમની જરૂર હોય. મહિનાના પાછલા ચરણમાં ખાસ કરીને સરકારી અને કાયદાકીય બાબતોમાં ખર્ચ આવી શકે છે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા કોઇપણ કાર્યોથી દૂર રહેવું. અત્યારે કોઇના જામીન થવામાં મજા નથી. બેંકમાં પણ કોઇના ગેરેન્ટર ના બનશો. સંબંધોનું તમે ઉત્તમ સુખ માણો તેવા યોગ બની રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને ઉત્તરાર્ધમાં તમે વિજાતીય પાત્રોની ખૂબ નજીક રહેશો. વિદ્યાર્થીઓ પહેલા પખવાડિયામાં અભ્યાસમાં ઘણું ધ્યાન આપે પરંતુ ઉત્તરાર્ધમાં કોઇપણ ઊંડા અભ્યાસમાં તમારે વધુ મહેનતની તૈયારી રાખવી પડશે. આ મહિને ઉત્તરાધમાં હૃદયના ધબકારામાં અનિયમિતતા, કરોડરજ્જૂ અથવા પીઠમાં દુખાવાની ફરિયાદ થઇ શકે છે.

ધન

પ્રોફેશનલ મોરચે આ મહિનાના પૂર્વાર્ધમાં આપના કામો ને વેગ મળશે. તમારા શબ્‍દની તાકાત વધશે. જે સપના પાછલા મહિનામાં જોયા હશે, તેને સાકાર કરવાનો સમય આપને મળશે. આપનામાં અંતર્જ્ઞાન અને કાલ્‍પનિક ઉડાન ભરવાની શક્તિ વધશે. તમે આશાવાદી અને પોઝિટીવ વલણ અપનાવશો. કોઇક તબક્કે તમે ધીમી ગતિએ આગળ વધતા હોવ તેવું લાગે પરંતુ તમારા પગલાં અને નિર્ણયોમાં મક્કમતા ચોક્કસ રહેશે. આપને નવા અને સારા કાર્યો તરફ ધ્‍યાન આપવું જ પડશે. આપ ગૃહસ્થ જીવનને પણ પૂરતું મહત્વ આપશો અને તે અનુસાર આગળ વધવાની તૈયારી રાખશો. પરિવાર પ્રત્યે તમે ઉત્તરાર્ધમાં વધુ ઝુકેલા દેખાશો. પાછલા પખવાડિયામાં તમને મનોરંજનની ઇચ્‍છા થશે. સામાજિક અથવા ધાર્મિક કાર્યોમાં જવાનું થાય. સમાજ પ્રત્યે તમે પોતાનું ઋણ અદા કરવા માટે સક્રિય થાવ. પ્રેમસંબંધોમાં આગળ વધો અથવા નવા સંબંધોની શરૂઆત કરો તેવી શક્યતા છે. આ મહિનો કર્મનો, એટલે કે કામ જ આપના માટે કેન્દ્ર સ્થાને હશે, અથવા તેને લગતી સમસ્‍યાઓ કે નિવારણ માટે આપ મહેનત કરતા હશો. નવા મિત્રો બનાવવામાં અત્યારે થોડા સાચવીને આગળ વધવાની સલાહ છે. વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં સારી રુચિ રહેશે. તેમાં પણ ઉત્તરાર્ધમાં બહેતર પરિણામની આશા રાખી શકો છો. સ્વાસ્થ્ય બાબતે આ મહિને ખાસ ચિંતા જેવું નથી પરંતુ પહેલા દસ દિવસમાં ખાસ કરીને એસિડિટી, પેટમાં બળતરા, પગના સ્નાયુઓમાં દુખાવો વગેરે થઇ શકે છે.

મકર

પારિવારિક મોરચે જો વાત કરીએ તો આ મહિને કોઇપણ વ્યક્તિ સાથે હવેત મારા વર્તનમાં થોડી ઉગ્રતા આવશે. વાણી અને વર્તનમાં પણ કઠોર રહે તેથી સંભાળીને કામ લેવું. કોઇપણ બાબતે હઠાગ્રહ છોડવાની સલાહ છે. જોકે, તમે પરિવાર માટે વધુ લાગણીશીલ રહેવાથી જ આ ગુસ્સો કરશો પરંતુ તમારી આ લાગણીને સમજતા પરિવારને થોડો સમય લાગી જશે. તેમની ખુશી માટે તમે વાહન, ઇલેક્ટ્રોનિક ચીજો અથવા અન્ય કોઇ મોટી ખરીદી કરો તેવી શક્યતા છે. તેમની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે અત્યારે પ્રોફેશનલ મોરચે પણ ઘણી વધારે મહેનત કરશો. સંબંધોમાં થોડુ સાચવવા જેવું છે. ખાસ કરીને જેઓ પહેલાંથી સંબંધોમાં હોય તેમને પ્રિયપાત્રની કોઇ બાબતે સતત ચિંતા રહેશે. અત્યારે સંબંધોમાં તમને થોડી અનિશ્ચિતતા વર્તાશે. કોઇ એવી વ્યક્તિ તરફ તમે આકર્ષાવ જેની ઉંમર તમારાથી ઘણી વધુ અથવા ઓછી હોય. લગ્નોત્સુક જાતકોએ પણ જીવનસાથીની પસંદગી અંગેનો નિર્ણય સમજી વિચારીને લેવો પડશે. વ્યવસાયમાં આપની બૌદ્ધિક ક્ષમતા પ્રદર્શિત થશે જે નોકરીમાં આપની પદોન્નતિ કરાવશે. વેપારીઓને દૂરના અંતરેથી મોટા સોદાઓ પ્રાપ્ત થવાની શક્યતા છે. જેઓ પ્રિન્ટિંગ, રસાયણ, દવાઓ, સરકારી કાર્યો અથવા કોન્ટ્રાક્ટ વગેરેમાં જોડાયેલા હોય તેમના માટે ઉત્તરાર્ધનો તબક્કો વધુ ફળદાયી બની રહેશે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પૂર્વાર્ધમાં બહેતર તકો મળી શકે છે. પરંતુ વ્યાપક રીતે વિચાર કરવામાં આવે તો હવે તમારે અભ્યાસમાં એકાગ્રતા વધારવી પડશે. મહિનાના છેલ્લા સપ્તાહમાં પ્રિયજન સાથે બહાર ફરવા જવાનું તેમ જ ભોજન લેવાનું આયોજન થાય. સ્વાસ્થ્ય બાબતે જેઓ છેલ્લા ઘણા સમયથી પીડાઇ રહ્યા હતા તેમને હવે થોડી રાહત થશે. જેમને એલર્જી, ત્વચાની બીમારી અથવા ગુપ્ત ભાગોમાં સમસ્યા હોય તેમને અંતિમ ચરણમાં રાહત થઇ શકે છે.

કુંભ

આ મહિને પૂર્વાર્ધમાં ઊંડા ચિંતનથી આપ પોતાની કેટલીક ખામીઓને દૂર પણ કરી શકશો. થોડી પ્રતિકૂળતાભર્યો સમય પસાર કર્યા બાદ આપને ધીમે ધીમે રાહત મળવા લાગશે. ઉત્તરાર્ધમાં ગૃહ સજાવટનું કાર્ય હાથ ધરશો. વધુ પડતા કામના કારણે શરીરમાં થોડો થાક અનુભવાશે પરંતુ આર્થિક લાભના કારણે આપ ફરિયાદ નહીં કરો. પ્રોફેશનલ મોરચે આપની મહેનત હવે રંગ લાવશે. પ્રારંભમાં આપના કાર્યો પૂર્વાયોજન પ્રમાણે પાર પાડવામાં મહેનત પડે અથવા કદાચ તમારા પાસા સીધા ના પણ પડે તો નિરાશ થવું નહીં અને પ્રયાસો છોડવા નહીં કારણ કે ઉત્તરાર્ધમાં તમારા આ જ પ્રયાસો કામ લાગશે અને આપ માનસિક હળવાશ અનુભવશો. નોકરિયાતોને ઉચ્ચ અધિકારીઓ સાથે પૂર્વાર્ધમાં કોઇ બાબતે બોલાચાલી ના થાય તેનું ધ્યાન રાખવાની સલાહ છે. કાયદા વિરુદ્ધના કાર્યો અથવા અનૈતિક કાર્યોથી કમાણીનો વિચાર મનમાંથી કાઢી નાખજો. આ સમયમાં તમે પ્રિયપાત્ર માટે સુંદર ચીજોની ખરીદી પાછળ આપ ખર્ચ કરશો. પ્રિયપાત્ર, મિત્રો, સંબંધીઓ સાથે મિલન-મુલાકાતમાં ઘણો સમય પસાર થશે. શક્ય હોય ત્યાં સુધી સ્વભાવની ઉગ્રતાને ડામી દેશો તો સંબંધોમાં તિરાડ નહીં પડે.પ્રિયપાત્ર સાથે વિશેષ આનંદ માણશો અને તેનું સુખ ભોગવી શકશો. ફરવાના સ્‍થળે અથવા તો ટૂંકા પ્રવાસે જાઓ અને આનંદમાં સમય પસાર કરશો. વિદ્યાર્થીઓને શરૂઆતમાં કપરાં ચઢાણ કહી શકાય પરંતુ પાછલા તબક્કામાં અભ્યાસમાં સાનુકૂળતા રહેશે. બૌદ્ધિક પ્રવૃત્તિઓ અને ચર્ચાને આપ પ્રાધાન્યતા આપશો. પૂર્વાર્ધમાં આપે તંદુરસ્તીની પણ દરકાર રાખવી પડશે. વાહન ચલાવતી વખતે પણ સંભાળવાની સલાહ છે.

મીન

પ્રોફેશનલ મોરચે પૂર્વાર્ધનો તબક્કો ઘણો સારો રહેશે. વ્યવસાયિક ક્ષેત્રે હરીફો કે પ્રતિસ્પર્ધીઓને આપ મ્હાત કરી શકશો.આપ કૌશલ્યના જોરે હવે લોકોની પ્રસંશા મેળવી શકશો. નોકરિયાતોના કામ અને વિચારોમાં સર્જનાત્મકતા આવશે જેથી પદોન્‍નતિની શક્યતા પણ નકારી શકાય નહીં. ઉત્તરાર્ધમાં સરકારી અથવા કાયદાકીય અવરોધો આવી શકે છે. પાછલા ચરણમાં શક્ય હોય ત્યાં સુધી તમારી પ્રતિષ્ઠા ખંડિત થાય તેવા કોઇપણ કાર્યોથી દૂર રહેવું. પૂર્વાર્ધમાં પિતા અને વડીલ વર્ગ તરફથી લાભ થાય પરંતુ ઉત્તરાર્ધમાં પૈતૃક મિલકતોને લગતા કાર્યોમાં વિઘ્ન આવે અથવા અપેક્ષા અનુસાર ફળ ના મળે તેવી સંભાવના છે. મિત્રો, પુત્ર અને પત્‍ની થકી આપને લાભ મળે. સંબંધોની વાત કરીએ તો સ્‍ત્રી મિત્રોથી લાભ થાય. દાંપત્યજીવનમાં પણ પારસ્પરિક વિચારોમાં પરિપકવતા આવે અને તમે એકબીજાના સંગાથમાં બહેતર અનુભવ કરો. તમારી વચ્ચે મોટાભાગના સમયમાં આકર્ષણ જળવાયેલું રહેશે. વિદ્યાર્થીએને એજ્યુકેશનમાં આપના મનની મુંઝવણનો ઉકેલ મળવાથી આપ હળવાશ અનુભવશો. કોઇપણ વિષયના ઊંડા અભ્યાસ માટે ઉત્તરાર્ધમાં તમારી સમજશક્તિ કાચી પડતી હોય તેવું લાગશે. સ્વાસ્થ્ય સુખાકારી બાબતે પૂર્વાર્ધનો સમય સારો છે પરંતુ ઉત્તરાર્ધમાં ખાસ કરીને બ્લડપ્રેશર, હૃદયના ધબકારામાં અનિયમિતતા અથવા આંખોમાં બળતરા વગેરે થઇ શકે છે.

Site Footer