ટીમ ઈન્ડિયાએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ODI શ્રેણીની શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ ખૂબ જ ખાસ હતી. આ વન-ડે મેચમાં હાર્દિક પંડ્યા ટીમનું સુકાન સંભાળી રહ્યો હતો, જ્યારે સામે ઓસ્ટ્રેલિયન ટીમ હતી, જેની સામે ભારતીય ટીમ 12 વર્ષથી એક ખાસ ક્ષણની રાહ જોઈ રહી હતી. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે 12 વર્ષ બાદ મોટી સિદ્ધિ બતાવી છે.
ટીમ ઈન્ડિયા છેલ્લા 12 વર્ષથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે એક પણ ODI મેચ જીતી શકી નથી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ હતી, પરંતુ હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને વાનખેડેમાં હરાવીને કારનામું કર્યું હતું. છેલ્લી વખત જ્યારે બંને ટીમો આ મેદાન પર ટકરાયા હતા ત્યારે ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય ઝડપી બોલરો મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી અને ત્રણ-ત્રણ વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને પ્રથમ વનડેમાં 35.4 ઓવરમાં 188 રનમાં સમેટી દીધી. ઓસ્ટ્રેલિયાના ઓપનર મિચેલ માર્શે એકલા 65 બોલમાં 10 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 81 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ બે અને કેપ્ટન હાર્દિક પંડ્યા-ચાઈનામેન બોલર કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી હતી. આ મેચમાં શાર્દુલ ઠાકુર સિવાય ભારત તરફથી બોલિંગ કરનારા તમામ બોલરોએ વિકેટ લીધી હતી.
ભારતે ઓસ્ટ્રેલિયાને 35.4 ઓવરમાં 188 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જેના જવાબમાં ભારતની શરૂઆત પણ ખૂબ જ ખરાબ રહી હતી અને પાંચમી ઓવરમાં જ મિચેલ સ્ટાર્કે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવને સસ્તામાં મોકલી દીધા હતા.
જોકે આ પછી રાહુલ (અણનમ 75) અને રવિન્દ્ર જાડેજા (અણનમ 45)એ છઠ્ઠી વિકેટ માટે 108 રનની અતૂટ ભાગીદારી કરીને ટીમને 39.5 ઓવરમાં પાંચ વિકેટે 191 રન સુધી પહોંચાડી દીધી હતી. જાડેજાએ બોલિંગમાં પણ બે વિકેટ લીધી હતી અને ઓલરાઉન્ડ રમતના આધારે તે પ્લેયર ઓફ ધ મેચ તરીકે ચૂંટાયો હતો.