ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. 33 વર્ષીય વિરાટે આ મોટી જાહેરાત દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં હારના એક દિવસ બાદ કરી હતી. તેણે અચાનક ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડીને બધાને ચોંકાવી દીધા છે. આ નિર્ણય બાદ વિરાટ હવે કોઈપણ ફોર્મેટમાં ટીમનો કેપ્ટન નથી. આવી સ્થિતિમાં, ચાલો વિરાટની કેપ્ટન તરીકેની ટેસ્ટ કારકિર્દીની કેટલીક ઉપલબ્ધિઓ અને રેકોર્ડ્સ પર નજર કરીએ.
ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન
વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન હતો. તેમની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ 68 મેચમાં 40 જીત નોંધાવી હતી અને 17માં હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન ટીમે 11 મેચ ડ્રો પણ રમી હતી. વિરાટની 58.82 ની જીતની ટકાવારી ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી, એમએસ ધોની અને મોહમ્મદ અઝહરુદ્દીન જેવા દિગ્ગજો કરતા વધારે છે.
કેપ્ટન તરીકે વિરાટનો બેટિંગ રેકોર્ડ
વિરાટ કોહલીએ પણ કેપ્ટન તરીકે બેટિંગમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. થોડો સમય સંઘર્ષ કરવા છતાં તેણે 113 ઇનિંગ્સમાં 54.80ની એવરેજથી 5,864 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 20 સદી અને 18 અડધી સદી ફટકારી હતી.
સૌથી વધુ ટેસ્ટમાં ભારતની કેપ્ટનશીપ કરનાર ક્રિકેટરો
સૌથી વધુ ટેસ્ટ મેચોમાં કેપ્ટનશિપના મામલે વિરાટ કોહલી ભારતમાં ટોચ પર અને વિશ્વમાં છઠ્ઠા નંબર પર છે. તે દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથ, ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડર, ન્યૂઝીલેન્ડના સ્ટીફન ફ્લેમિંગ, ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ અને વેસ્ટ ઈન્ડિઝના ક્લાઈવ લોયડ તેમના થી આગળ છે.
કેપ્ટન | ક્યારે થી ક્યારે | મેચ | જીત | હાર | ટાઈ | ડ્રો |
---|---|---|---|---|---|---|
ગ્રીમ સ્મિથ (ICC/SA) | 2003-2014 | 109 | 53 | 29 | 0 | 27 |
એલન બોર્ડર (AUS) | 1984-1994 | 93 | 32 | 22 | 1 | 38 |
સ્ટીફન ફ્લેમિંગ (NZ) | 1997-2006 | 80 | 28 | 27 | 0 | 25 |
રિકી પોન્ટિંગ (AUS) | 2004-2010 | 77 | 48 | 16 | 0 | 13 |
ક્લાઈવ લોઈડ (WI) | 1974-1985 | 74 | 36 | 12 | 0 | 26 |
વિરાટ કોહલી (ભારત) | 2014-2022 | 68 | 40 | 17 | 0 | 11 |
દક્ષિણ આફ્રિકામાં બે ટેસ્ટ મેચ જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન
વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતે દક્ષિણ આફ્રિકામાં બે ટેસ્ટ મેચ જીતી છે. આવું કરનાર તે પ્રથમ ભારતીય કેપ્ટન છે. તેમની કપ્તાની હેઠળ, ટીમ ઈન્ડિયાએ 2018ના પ્રવાસમાં પ્રથમ વાર વાન્ડરર્સ ટેસ્ટ જીતી હતી અને ત્યારબાદ ગયા વર્ષે 2021માં સેન્ચુરિયનમાં બીજી વખત દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું.
બે બોક્સિંગ ડે ટેસ્ટ જીતનાર પ્રથમ ભારતીય અને એશિયન કેપ્ટન
વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ બે વખત બોક્સિંગ ડે ટેસ્ટ જીતી છે. પ્રથમ, ભારતે 2018માં મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું અને ત્યારબાદ 2021માં સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવી હતી.
સેના દેશોમાં સૌથી વધુ જીત સાથે એશિયન કેપ્ટન
વિરાટ કોહલી સેનાએ દેશો (દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા)માં સૌથી વધુ સાત ટેસ્ટ મેચ જીતનાર એશિયન કેપ્ટન છે. વિરાટના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ અહીં 23 ટેસ્ટ મેચ રમી અને સાતમાં જીત નોંધાવી. આ દરમિયાન ટીમને 13 હાર અને ત્રણ ડ્રો પણ મળી હતી.